
હૈદરાબાદ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.). કાળઝાળ ગરમી વચ્ચે તેલંગાણાના રાજકારણમાં શનિવારે મોટી ઘટના જોવા મળી, જ્યારે ભૂતપૂર્વ વિધાન પરિષદના સભ્ય (એમએલસી) કલવકુંતલા કવિતાએ, નવી રાજકીય પાર્ટી ‘તેલંગાણા રાષ્ટ્ર સેના’ (ટીઆરએસ) ના ગઠનની જાહેરાત કરી. આ નિર્ણયને રાજ્યના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને અગાઉ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના અગ્રણી નેતા રહી ચૂકેલા કે. કવિતાનો, પાર્ટી નેતૃત્વ સાથે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો હતો. આંતરિક વિવાદોને કારણે તેમને જૂન 2025 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે એમએલસી પદ અને બીઆરએસના પ્રાથમિક સભ્યપદ બંને પરથી રાજીનામું આપી દીધું હતું.
બીઆરએસથી અલગ થયાના સાત મહિના બાદ કવિતાએ પોતાની નવી પાર્ટી માટે એ જ નામ ટીઆરએસ પસંદ કર્યું છે, જેનાથી તેમના પિતાએ ક્યારેક તેલંગાણા રાજ્ય આંદોલનની શરૂઆત કરી હતી. આ નામની પસંદગીને રાજકીય રીતે અત્યંત પ્રતીકાત્મક માનવામાં આવી રહી છે.
કે. કવિતાએ સ્પષ્ટ કર્યું કે, તેમની નવી પાર્ટીનું મુખ્ય કેન્દ્રબિંદુ તેલંગાણાના પ્રાદેશિક મુદ્દાઓ, સામાજિક ન્યાય અને પછાત વર્ગ (ઓબીસી) માટે 50 ટકા અનામતની માંગ હશે. તેમણે કહ્યું કે, તેલંગાણાની મૂળ ભાવના અને જનતાની અપેક્ષાઓને ફરીથી કેન્દ્રમાં લાવવી એ તેમની પ્રાથમિકતા છે.
પોતાની નવી પાર્ટીની શરૂઆત પહેલા તેમણે હૈદરાબાદના ગન પાર્ક સ્થિત અમરવીર સ્તૂપ પર 1969 ના તેલંગાણા આંદોલનના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ હૈદરાબાદના બહારના વિસ્તાર મુનીરાબાદમાં આયોજિત પાર્ટી લોન્ચ કાર્યક્રમમાં તેમણે મુખ્યમંત્રી બનવા અને રાજ્યમાં “નવી ક્રાંતિ” લાવવાનો સંકલ્પ દોહરાવ્યો.
તેમણે પોતાને જનતાના “અમ્મા” ગણાવતા કહ્યું કે, તેઓ તેલંગાણાના માતૃત્વપૂર્ણ નેતા બનવા માંગે છે. આ દરમિયાન તેમણે પોતાની સરખામણી તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા સાથે પણ કરી હતી.
પોતાના સંબોધનમાં કવિતાએ આત્મમંથન કરતા કહ્યું કે, તેમને બીઆરએસ સરકારના કેટલાક કાર્યો પર શરમ અનુભવાય છે. તેમણે સ્વીકાર્યું કે તેઓ તે શાસક પરિવારનો હિસ્સો હતા, જેણે પાર્ટી અને વહીવટીતંત્ર બંનેનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેમણે તેલંગાણા રાજ્ય આંદોલનમાં પોતાની ભૂમિકા અને અલગ રાજ્યની પ્રાપ્તિ પર ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, “તેલંગાણા રાષ્ટ્ર સેના” એ જૂની ભૂલો સુધારવા અને રાજ્યને આંદોલનની મૂળ આકાંક્ષાઓ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ છે. તેમણે ‘તેલંગાણા જાગૃતિ’ અને પોતાના વ્યક્તિગત યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પોતાના પિતા કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વ હેઠળના આંદોલન પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, સમય જતાં તેલંગાણા આંદોલનનો રથ પોતાની દિશા ભટકી ગયો અને જનતાની વાસ્તવિક સમસ્યાઓને સંપૂર્ણ રીતે સમજવામાં નિષ્ફળ રહ્યો. તેમણે કહ્યું, “તેલંગાણાનો સામાજિક રથ ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયો છે.”
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, કે. કવિતાનું આ પગલું બીઆરએસ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે તે સીધી રીતે ‘તેલંગાણા ભાવના’ અને પ્રાદેશિક અસ્મિતા સાથે જોડાયેલું છે.
હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ