


- 5 દિવસીય નિવાસી તાલીમ શિબિર દ્વારા શ્રેષ્ઠ મનુષ્ય નિર્માણ તરફ મહત્વપૂર્ણ પહેલ
ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) શિક્ષણનો હેતુ ફક્ત માહિતી આપલે કરવાનું કે ડિગ્રી વેચવાનું નથી હોતું પરંતુ શિક્ષણનું કામ મનુષ્ય નિર્માણ, ચારિત્ર નિર્માણ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનું હોય છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા 2009થી ચારિત્ર્યનિર્માણ થી રાષ્ટ્રનિર્માણ થીમ આધારિત સર્વ નેતૃત્વ શિબિર યોજાય છે જેના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 2025-26ની છેલ્લી 117મી સર્વ નેતૃત્વ પાંચ દિવસીય શિબિર યોજાઈ ગઈ જેમાં સર્વ વિદ્યાલયની 17 કોલેજના 74 વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે “શિક્ષણ માત્ર માહિતી નથી, પરંતુ માનવ નિર્માણનું કાર્ય છે.” આ સમગ્ર તાલીમમાં મુખ્ય ટ્રેનર તરીકે હરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને જીવનના અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારુ પાઠો શીખવાડ્યા હતા. તેમના દ્વારા યુવાનોને એ સમજ આપવામાં આવી કે સાચું નેતૃત્વ આત્મજાગૃતિ અને આંતરિક શક્તિથી શરૂ થાય છે અને સાર્થક જીવનનું નિર્માણ મૂલ્યો, શિસ્ત, કૃતજ્ઞતા અને જીવનના હેતુ પર આધારિત છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને Health is Happiness (આરોગ્ય જ સાચી ખુશી છે), Acceptance (સ્વીકારભાવ), Freedom from Comparison (તુલનાથી મુક્તિ), Letting Go (છોડી દેવાની કળા) તથા Gratitude (કૃતજ્ઞતા) જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે સાચી શાંતિ અને પ્રગતિ બહાર નહીં પરંતુ અંદરથી આવે છે. આ ઉપરાંત, Helping Others (અન્યની મદદ કરવી), Live with Purpose (હેતુપૂર્ણ જીવન જીવવું) અને Learning New Things (નવું શીખતા રહેવું) જેવા મૂલ્યોને જીવનમાં અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી, જેથી યુવાનો સતત પ્રગતિશીલ અને જીવન માટે તૈયાર બની શકે. Resilience (પ્રતિકૂળ પરિસ્થિતિમાં અડગ રહેવાની શક્તિ) વિષયક વિશેષ સત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં મુશ્કેલીઓ સામે સાહસ, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા સાથે આગળ વધવાની ક્ષમતા વિકસાવવામાં આવી. તેમજ “Choose Your Circle (તમારી સંગત પસંદ કરો)” વિષય પર ભાર મૂકી વિદ્યાર્થીઓને સકારાત્મક અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા લોકો સાથે જોડાવાની પ્રેરણા આપવામાં આવી હતી.
સર્વ નેતૃત્વ કાર્યક્રમનો 117મો બેચ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે એક પરિવર્તનકારી અનુભવ રહ્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમથી તેઓમાં આત્મવિશ્વાસ વધ્યો, આંતરિક શક્તિ વિકસિત થઈ અને સમાજપ્રતિ સેવા ભાવના સાથે જીવવાની નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. શિબિરના સમાપન સત્રમાં સર્વ નેતૃત્વ કોર્ડીનેટર ડો. ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 2009થી આજદિન સુધી કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વ કાર્યક્રમનો લાભ 8000થી વધુ કોલેજ યુવાનોને નિઃશુલ્ક અપાયો છે. યુવાનોમાં મૂલ્યનિષ્ઠ વિચાર, સકારાત્મક દૃષ્ટિકોણ અને નેતૃત્વના ગુણો વિકસાવી રાષ્ટ્ર નિર્માણમાં સતત યોગદાન આપતું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ