
કચ્છ, 25 એપ્રિલ (હિ.સ.) :સુરજબારી પાસે એલસીબીનો દારૂ પર કડક પ્રહાર : પીછો કરી બલેનો કારમાંથી લાખોનો અંગ્રેજી દારૂ જપ્ત, બુટલેગર ફરાર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા પ્રોહીબીશન સામે ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ દરમિયાન વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. સામખીયારી પોલીસ મથક વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામે અંગ્રેજી દારૂના જથ્થા સાથે બલેનો કાર ઝડપી પાડી દારૂની હેરફેરના ગોરખધંધાને મોટો ઝટકો આપ્યો છે. જોકે, પોલીસને જોઈ કારચાલક બુટલેગર ફિલ્મી અંદાજમાં કાર મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂના ગેરકાયદે વેચાણ અને સપ્લાય પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે તમામ શાખાઓને એલર્ટ કરવામાં આવી છે. તે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં એલસીબીની ટીમ સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ વાહનો પર નજર રાખી રહી હતી.
તે દરમિયાન સામખીયારી-માળીયા હાઈવે પર સુરજબારી પુલ પાર આવેલ કિસ્મત હોટલ નજીક એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સામખીયારીમાં રહેતો અને મૂળ ચીરઈ ગામનો અભય વેલા બઢીયા નામનો શખ્સ માણાબા-શિકારપુર રણ વિસ્તાર તરફથી સફેદ રંગની બલેનો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી સામખીયારી તરફ લઈ આવી રહ્યો છે. બાતમીને આધારે એલસીબીની ટીમે કિસ્મત હોટલ પાસે સઘન વોચ ગોઠવી હતી.
થોડી જ વારમાં શંકાસ્પદ બલેનો કાર ત્યાંથી પસાર થતી નજરે ચડતા પોલીસે તેને રોકવાનો સંકેત આપ્યો હતો. પરંતુ કારચાલકે પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કરતાં ગાડી રોકી નહોતી અને જોરદાર ઝડપે કાર દોડાવી દીધી હતી. ત્યારબાદ એલસીબીની ટીમે પણ પીછો શરૂ કર્યો. પીછો કરતા કરતા કારચાલક માળીયા-સામખીયારી હાઈવે પરથી સુરજબારી ગામ તરફ વળી ગયો હતો. ગામની અંદર પ્રાથમિક શાળાની બાજુમાં ગાડી મૂકી આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે સ્થળ પર છોડાયેલી બલેનો કારની તપાસ હાથ ધરતાં અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ૯૩૦ નંગ ૧૮૦ એમએલની અંગ્રેજી દારૂની ક્વાર્ટર બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૬૩,૨૦૦ જેટલી થાય છે. ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી બલેનો કારની કિંમત રૂપિયા ૫ લાખ ગણવામાં આવી છે. આમ કુલ રૂપિયા ૬,૬૩,૨૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં ફરાર થયેલો આરોપી અભય વેલા બઢીયા હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ પ્રોહીબીશન અને અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે અગાઉથી જ નોંધાયેલો હોવાની માહિતી બહાર આવી છે. તેના વિરુદ્ધ લાકડીયા, દુધઈ, સામખીયારી અને ભચાઉ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, જાહેરનામા ભંગનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. જેથી તે પૂર્વ કચ્છ પોલીસ માટે જાણીતો બુટલેગર હોવાનું સ્પષ્ટ બન્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી નજીક આવતાં દારૂની માંગ વધતી હોય છે અને તે સમયે બુટલેગરો સક્રિય બની જાય છે. પરંતુ પૂર્વ કચ્છ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ, બાતમીદારોનું જાળું અને હાઈવે પર નજર રાખવાના કારણે આવા તત્વોને એક પછી એક ઝડપી પાડવામાં આવી રહ્યા છે. સુરજબારી પાસે થયેલી આ કાર્યવાહીથી દારૂની હેરફેર કરતા ગેરકાયદેસર નેટવર્કમાં ચકચાર મચી ગઈ છે.
આ સમગ્ર ઓપરેશન લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. હાલ કબ્જે કરાયેલ મુદ્દામાલ સાથે વધુ કાયદેસરની કાર્યવાહી માટે કેસ સામખીયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને ફરાર બુટલેગર અભય બઢીયાની શોધખોળ તેજ બનાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar