નાના વરનોરાની સીમમાંથી દેશી બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે યુવક ઝડપાયો
કચ્છ, 25 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ અસામાજિક તત્વો સામે કડક સંદેશો જાય તે માટે પોલીસ તંત્ર સતત સક્રિય બની કામગીરી કરી રહ્યું છે. સરહદી વિસ્તાર હોવાને કારણે ગેરકાયદેસર હથિયારો, શંકાસ્પદ હિલચાલ અને અસ
હથિયાર સાથે પકડાયેલ નાના વરનોરા નો આરોપી


કચ્છ, 25 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ અસામાજિક તત્વો સામે કડક સંદેશો જાય તે માટે પોલીસ તંત્ર સતત સક્રિય બની કામગીરી કરી રહ્યું છે. સરહદી વિસ્તાર હોવાને કારણે ગેરકાયદેસર હથિયારો, શંકાસ્પદ હિલચાલ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર વિશેષ નજર રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તમામ શાખાઓને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ જ અભિયાન અંતર્ગત ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે, જેમાં માધાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકને વગર લાયસન્સની સિંગલ બેરલ દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમ ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ બાતમીદારો મારફતે ચેકિંગમાં વ્યસ્ત હતી.

આ દરમિયાન એલસીબી સ્ટાફના એએસઆઈ પંકજભાઈ કુશવાહને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે નાના વરનોરા ગામથી ઝીકડી ગામ તરફ જતા માર્ગ પર, વરનોરા ગામની સીમમાં આવેલા તળાવ પાસે સ્મશાન વિસ્તાર નજીક બાવળોની ઝાડીઓમાં એક શંકાસ્પદ ઈસમ હાજર છે. બાતમી મુજબ તેના હાથમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની સાથે તેની હિલચાલ પણ શંકા ઉપજાવે તેવી હોવાનું જણાવાયું હતું. બાતમીને ગંભીરતાથી લઈ એલસીબી ટીમના અનિરૂદ્ધસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ અને નવીનભાઈ જોષી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરાયું હતું.

પોલીસ ટીમે સ્થળ પર ઘેરાબંધી કરી તપાસ કરતાં બાવળોની ઝાડીઓ વચ્ચે છુપાઈને ઉભેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ સુલતાન સુમાર મેર, ઉંમર ૨૩ વર્ષ, રહે. નાના વરનોરા મેરવાસ, તાલુકો ભુજ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી શંકાસ્પદ વસ્તુની તપાસ કરતાં સિંગલ બેરલ દેશી બનાવટની બંદુક મળી આવી હતી. પોલીસે તરત જ તેની પાસે આ હથિયાર અંગે કોઈ કાયદેસર પાસ, પરમીટ કે લાયસન્સ છે કે નહીં તે અંગે પુછતાં યુવક કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો.

બિનપરવાનગી હથિયાર રાખવું ગંભીર ગુનો બનતો હોવાથી પોલીસે સ્થળ પર જ હથિયાર કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. અંદાજે રૂ. 1000 કિંમતની સિંગલ બેરલ દેશી બનાવટની બંદુક કબ્જે લઈ સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ) તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, તેનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે થવાનો હતો, તેમજ આરોપી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ, નશીલા પદાર્થો, ચોરી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારો સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે વચ્ચે દેશી બનાવટની બંદુક સાથે યુવક ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને સ્મશાન વિસ્તારની ઝાડીઓમાં શંકાસ્પદ રીતે ઉભેલા યુવક પાસેથી હથિયાર મળતાં પોલીસને પણ આશંકા છે કે કોઈ ગુનાહિત ઇરાદા સાથે તે ત્યાં હાજર હોઈ શકે. જોકે આ મામલે હકીકત બહાર લાવવા માટે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ સફળ કામગીરીથી પશ્ચિમ કચ્છ પોલીસ ફરી એકવાર સતર્ક અને સક્રિય હોવાનું સાબિત થયું છે. ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવનારા દિવસોમાં પણ આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે તેવો સ્પષ્ટ સંદેશો આ ઓપરેશન દ્વારા આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરીને લઈને વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે કે કાયદો હાથમાં લેતા અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તત્વોને હવે કોઈ રાહત મળવાની નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande