

મહેસાણા, 25 એપ્રિલ (હિ.સ.)ગુજરાતમાં મતદાન પહેલા વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. સુરત બાદ હવે મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય ઘર્ષણ હિંસક બનતા તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 4માં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા થઈ છે.
ગઈકાલે મોડી રાત્રે તાવડીયા રોડ વિસ્તારમાં મિતેન ચૌધરી અને તેના સાથીઓ પર 4થી 5 શખ્સોએ ગાડી રોકી તીક્ષ્ણ હથિયાર, લાકડીઓ અને પાઈપ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બનેલા મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ધીમંત ચૌધરી સારવાર હેઠળ છે. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીએ પણ ગાડી ચઢાવ્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં સારવાર લીધી છે.
આ ઘટનાને પગલે આજે પોસ્ટમોર્ટમ બાદ મિતેન ચૌધરીના મૃતદેહને તાવડીયા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં DySP સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં ચૌધરી સમાજ તેમજ ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
DySP મિલાપ પટેલે જણાવ્યું કે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીઓની સંડોવણી, કાવતરું અને દરેકની ભૂમિકાની તપાસ હાથ ધરાઈ છે. એ ડિવિઝન પોલીસ અને LCB દ્વારા CCTV અને CDRના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. ઘટનાને પગલે મહેસાણામાં ભારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR