
પાટણ, 25 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓમાં નગરપાલિકાની નિષ્ફળતા સામે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા નાગરિકોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. પાલિકા દ્વારા સરકારની યોજના હોવા છતાં ડસ્ટબિન ન પહોંચાડાતા લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા.
શહેરના વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદા પાણીની સમસ્યાને કારણે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. પીવાના પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે.
આ સ્થિતિમાં સંસ્થાએ સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટબિન વિતરણનો ઉપક્રમ હાથ ધર્યો. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરવા આ પહેલ કરવામાં આવી છે.
સવારથી શરૂ થયેલા વિતરણમાં લોકોની લાંબી કતારો જોવા મળી અને સાંજ સુધી આવનારા દરેક નાગરિકને ડસ્ટબિન આપવાની વ્યવસ્થા રાખવામાં આવી. આ કામગીરીને લોકોએ સરાહના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ