
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) 1993ની હિટ ફિલ્મ ખલનાયકનું લોકપ્રિય પાત્ર બલ્લૂ હવે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફરવા જઈ રહ્યું છે. અભિનેતા સંજય દત્તે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમની નવી ફિલ્મ 'ખલનાયક રિટર્ન્સ' ની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મ મૂળ ફિલ્મની રિમેક હોવાનું કહેવાય છે, જેણે 90ના દાયકામાં દર્શકોમાં એક અલગ ઓળખ ઊભી કરી હતી.
સંજય દત્તે ખુલાસો કર્યો કે, તેમની કંપની થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સ અને અક્ષ કંબોજની એસ્પેક્ટ એન્ટરટેઇનમેન્ટે ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ અને તેમની કંપની મુક્તા આર્ટ્સ પાસેથી સંયુક્ત રીતે ફિલ્મના અધિકારો મેળવ્યા છે. આ કાર્યક્રમમાં ફિલ્મનું ટૂંકું ટીઝર પણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં સંજય દત્ત તેમના પ્રખ્યાત પાત્ર 'બલ્લૂ' ની નવી અને બોલ્ડ શૈલીમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે અભિનેતાએ ફિલ્મના વારસા માટે સુભાષ ઘઈનો પણ આભાર માન્યો હતો.
અભિનેતાએ ખુલાસો કર્યો કે, જ્યારે તેઓ જેલની સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમને આ ફિલ્મનો વિચાર આવ્યો હતો. ત્યાં તેમણે કહ્યું હતું કે, તેમણે ઘણા કેદીઓને પૂછ્યું હતું કે, શું તેઓ ખલનાયક ને પાછા ફરતા જોવા માંગે છે. સંજયના જણાવ્યા અનુસાર, હજારો કેદીઓના સકારાત્મક પ્રતિસાદથી તેમને આ વાર્તાને આગળ વધારવા માટે પ્રેરણા મળી. બાદમાં તેમણે સુભાષ ઘઈ સાથે આ વિચાર શેર કર્યો, જેમણે તેને આગળ વધારવાનું સમર્થન કર્યું.
આ ક્ષણે નિર્માતાઓએ એ સ્પષ્ટ કર્યું નથી કે, 'ખલનાયક રિટર્ન્સ' મૂળ ફિલ્મની સીધી સિક્વલ હશે કે, તેનું પુનર્કલ્પિત સંસ્કરણ. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે. સંજય દત્તે આ પ્રોજેક્ટના સર્જનાત્મક નિર્દેશન માટે જ્યોતિ દેશપાંડેને પણ સામેલ કર્યા છે. ફિલ્મની જાહેરાત પછી દર્શકોમાં તેને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ