
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.). ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ગુજરાત ટાઇટન્સ પર પાંચ વિકેટની જીત બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ મુકાબલામાં શાનદાર પ્રદર્શનના જોરે વિરાટ કોહલી ફરી એકવાર ટોચના સ્થાને પહોંચી ગયા છે.
206 રનના લક્ષ્યનો પીછો કરતા કોહલીએ ઓપનિંગ કરતા 44 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે 14મી ઓવર સુધી બેટિંગ કરીને ટીમની જીતનો મજબૂત પાયો નાખ્યો અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ બન્યા. આ ઇનિંગની સાથે કોહલી હવે 7 ઇનિંગ્સમાં 328 રન બનાવીને ઓરેન્જ કેપની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા (323 રન) ને પાછળ છોડી દીધા છે.
ત્રીજા સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન (320 રન) છે, જ્યારે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ 297 રન સાથે ચોથા સ્થાને પહોંચી ગયા છે. ગિલે આ મેચમાં 24 બોલમાં 32 રન બનાવ્યા, જેનાથી તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના સંજુ સેમસનને પાછળ છોડીને ઉપર આવી ગયા છે.
આરસીબી ના કેપ્ટન રજત પાટીદાર પણ આ મુકાબલા બાદ યાદીમાં આગળ વધ્યા છે. જોકે તેમણે આ મેચમાં માત્ર 8 રન બનાવ્યા હતા, પરંતુ કુલ 238 રન સાથે તેઓ ઈશાન કિશનની બરાબરી પર પહોંચી ગયા છે. સ્ટ્રાઈક રેટના આધારે પાટીદાર આઠમા અને કિશન નવમા સ્થાને છે. બીજી તરફ ગુજરાતના બી સાઈ સુદર્શને 58 બોલમાં સદી ફટકારીને સીઝનની પાંચમી સદી ફટકારી અને ટોપ-10 માં સ્થાન મેળવી લીધું છે.
પર્પલ કેપની રેસમાં આ મેચની ખાસ અસર પડી નથી, કારણ કે મુકાબલામાં કુલ આઠ વિકેટ જ પડી હતી. ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણા 12 વિકેટ સાથે ત્રીજા સ્થાને યથાવત છે અને સનરાઇઝર્સ હૈદરાબાદના ઈશાન મલિંગા સાથે સંયુક્ત રીતે આ સ્થાન પર છે. ટોચ પર ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ અને લખનઉ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવ બિરાજમાન છે.
આ દરમિયાન ભુવનેશ્વર કુમારે જોસ બટલરની વિકેટ લઈને પોતાની વિકેટોની સંખ્યા 11 પર પહોંચાડી દીધી છે. તેઓ હવે રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચર અને રવિ બિશ્નોઈની સાથે સંયુક્ત રીતે આગામી સ્થાને છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ