
ભાવનગર,25 એપ્રિલ (હિ.સ.) પાલિતાણા નજીક સગાપરા ધાર સ્થિત શ્રી કૈલાસ ટેકરી ખાતે ચાલી રહેલી રામકથામાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. રામકથાના માધ્યમથી સામાજિક ચેતના અને જાગૃતિ ફેલાવતા તેઓએ ખેડૂતોને ઝેરી રાસાયણિક ખાતર અને દવાઓના વધતા ઉપયોગ સામે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.
મોરારિબાપુએ જણાવ્યું હતું કે આજની ખેતી પદ્ધતિઓના કારણે જમીનનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે અને તેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. “આપણી ભવિષ્યની પેઢી ઝેર ખાઈ રહી છે,” એમ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી પૃથ્વીનું શોષણ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહિત કરતી વિવિધ સંસ્થાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. સાથે જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવતી પહેલનો ઉલ્લેખ કરી તેમની કામગીરીને પ્રશંસા કરી હતી.
રામકથાના મંચ પરથી આપવામાં આવેલ આ સંદેશ ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યો છે. પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને બચાવવા માટે જ નહીં, પરંતુ માનવ આરોગ્ય માટે પણ અત્યંત જરૂરી છે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.
આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આધ્યાત્મિક વાતો સાથે જીવનમાં ઉપયોગી સંદેશો પણ ગ્રહણ કર્યા હતા. મોરારિબાપુનો આ સંદેશ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT