
લખનૌ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ડૉ. રામદાસ આઠવલેએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 અંગે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે મળીને ચૂંટણી લડશે. આઠવલેએ કહ્યું કે તેઓ યુપીમાં બ્લોક સ્તરે મજબૂત સંગઠન તૈયાર કરી રહ્યા છે, જેથી આગામી ચૂંટણીમાં જનતાનો અવાજ અસરકારક રીતે ઉઠાવી શકાય.
આઠવલેએ લખનઉમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્રની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારમાં મહત્વપૂર્ણ ઘટક પક્ષ છે. તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે મળીને ચૂંટણી લડશે. આ માટે તેમણે 25 બેઠકો પર ગઠબંધનમાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે જો તેમની આ માંગ પૂરી નહીં થાય તો પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દલિત બહુલ બેઠકો પર પાર્ટીની મજબૂત દાવેદારી છે. આઠવલેએ મહિલા અનામત મુદ્દે સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસને વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બંને પક્ષો મહિલા વિરોધી છે અને મહિલાઓના વિકાસમાં અવરોધ ઊભો કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટી (બસપા) સત્તામાં હતી, હવે તેમની માત્ર 1 બેઠક છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આઠવલેએ દલિત બહુલ ગામોમાં સમાજ ભવન બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, સમાજ ભવન બની ગયા બાદ તેના સંચાલનની જવાબદારી દલિતોને સોંપવામાં આવે. આ પ્રસંગે તેમની સાથે આરપીઆઈના પ્રદેશ પ્રમુખ પવન ગુપ્તા પણ હાજર રહ્યા હતા. પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી યોગી અને ભાજપના પ્રદેશ પ્રમુખને મળીને માંગણી પત્ર સોંપશે.
બંગાળમાં ભાજપની સરકાર બનશે-
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી આઠવલેએ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની ગુંડાગીરી નહીં ચાલે. આ વખતે બમ્પર મતદાન થઈ રહ્યું છે. અમારું અનુમાન છે કે, આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બનશે.
હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ