
મઉ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.)। ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બરસાતપુર અહિરાણી હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે અંદાજે 3 વાગ્યે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસ અધિક્ષક કમલેશ બહાદુરના જણાવ્યા અનુસાર, એક સ્કોર્પિયો વાહન (જેએચ 21 જી 3927) અનિયંત્રિત થઈને પોતાની લેનમાંથી નીકળીને બીજી લેનમાં આવી ગયું હતું અને સામેથી આવી રહેલા ટ્રેલર (બીઆર 28જીબી 2171) સાથે જોરદાર અથડામણ થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પિયોમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં વાહનમાં હાજર એક પાલતુ કૂતરાનું પણ મોત થયું છે. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
માહિતી મળતાની સાથે જ દોહરીઘાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે તમામ મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મઉ મોકલી આપ્યા છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૃતકોની ઓળખ વિનય શ્રીવાસ્તવ (53), તેમના પુત્ર કૃતાર્થ શ્રીવાસ્તવ (27), પત્ની અર્ચના શ્રીવાસ્તવ (48) રહેવાસી રાનીડીહા, પોલીસ સ્ટેશન ખોરાબાર, જિલ્લો ગોરખપુર, તથા રવિન્દ્ર યાદવ (20) અને પુરુષોત્તમ કુમાર (28) રહેવાસી મટીહાની, પોલીસ સ્ટેશન મોહનપુર, જિલ્લો ગયા (બિહાર) તરીકે થઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આખો પરિવાર રાંચીમાં પોતાની પુત્રીના લગ્ન સંપન્ન કરાવીને પરત ઘરે ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાની જાણકારી પરિવારના અન્ય સભ્યોને આપીને આગળની કાર્યવાહી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / વેદ નારાયણ મિશ્ર / દીપક / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ