
વાપી, 25 એપ્રિલ (હિ.સ.) વાપી ની પોક્સો કોર્ટે 13 વર્ષીય સગીર ભાણેજ પર વારંવાર દુષ્કર્મ આચરનાર કૌટુંબિક મામાની જામીન અરજી ફગાવી દીધી છે. ભોગ બનનારની માતા કેસની કાર્યવાહી દરમિયાન હોસ્ટાઈલ થઈ હોવા છતાં, કોર્ટે આરોપીને જેલહવાલે રાખવાનો આદેશ કર્યો છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી શંકર જનકધારી સાવ (રહે. બલીઠા, મૂળ બિહાર) પર જાન્યુઆરી ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન પોતાની 13 વર્ષની સગીર ભાણેજને ચોકલેટ અને પૈસાની લાલચ આપી તેમજ મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મ આચરવાનો આરોપ છે। પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
કેસની ટ્રાયલ દરમિયાન ફરિયાદી અને ભોગ બનનારની માતા હોસ્ટાઈલ જાહેર થયા બાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જોકે, સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો.
સરકારી વકીલે દલીલ કરી હતી કે માતા હોસ્ટાઈલ થઈ હોવા છતાં ભોગ બનનાર સગીરાની મૌખિક જુબાની મહત્વપૂર્ણ છે અને તે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા પૂરાં પાડે છે. તેમણે X vs સ્ટેટ ઓફ રાજસ્થાન કેસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આવા ગંભીર ગુનાઓમાં ટ્રાયલ શરૂ થયા બાદ જામીન આપવાના નથી.
વાપી પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ ડો. એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલો સ્વીકારીને નોંધ્યું હતું કે, ગુનો અત્યંત ગંભીર છે અને ભોગ બનનારની જુબાની વિશ્વસનીય છે। આથી, કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha