



પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2026 માં મહત્તમ મતદાન થાય અને લોકશાહીના પાયા વધુ મજબૂત બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી, સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના સૌજન્યથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા આજે એક વિશાળ મતદાર જાગૃતિ રેલીનું પ્રભાવશાળી આયોજન કરવામાં આવ્યું હતું.
આ મતદાન જાગૃતિ રેલીનું પ્રસ્થાન પેરેડાઇઝ ફુવારા ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી હારમોની સર્કલ સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને જાગૃત નાગરિકો 'પહેલા મતદાન પછી બીજું કામ' ના નાદ સાથે જોડાયા હતા. રેલીના સમગ્ર માર્ગ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ લોકશાહીના પર્વની ઉજવણી જેવું બની ગયું હતું.
કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હાર્મની સર્કલ ખાતે યોજાયેલ વિવિધ પ્રદર્શનો રહ્યા હતા. અહીં ઉપસ્થિત યુવાનો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ, આત્મરક્ષણ માટેના કરાટેના દાવપેચ અને શિસ્તબદ્ધ પિરામિડ ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સાહસિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી મતદારોને આકર્ષવા અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને શહેરીજનોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
આ પ્રવૃત્તિઓ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સહિતના ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જનમેદનીએ એક અવાજે 'અમે અવશ્ય મતદાન કરીશું' તેવા શપથ ગ્રહણ કર્યા હતા અને રાષ્ટ્રના હિતમાં પોતાની ફરજ નિભાવવાનો કોલ આપ્યો હતો.
આ રેલી અને જાગૃતિ કાર્યક્રમ દ્વારા પોરબંદર જિલ્લાના પ્રત્યેક મતદાર સુધી એવો મજબૂત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે, લોકશાહીની સફળતાનો આધાર મતદારોની સક્રિય ભાગીદારી પર છે. ખાસ કરીને યુવા મતદારોમાં મતાધિકાર પ્રત્યે ગંભીરતા આવે અને કોઈ પણ મતદાર તેના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પોરબંદર જિલ્લાના જાણીતા ડો. સુરેશ ગાંધી, સ્વેપ ટીમના એસ. એચ. પરમાર, મહેશભાઈ તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya