

પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજ્ય એકમો ની સામાન્ય/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- 2026 યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થનાર છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી કે પરમાર સાહેબની ટીમ દ્વારા સ્નાતિકા મિલન - ગ્રેજયુએટ લેડીઝ કલબ દ્વારા ભાણજી લવજી સેનેટરી, સ્ટેશન રોડ, પોરબંદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરવામાં આવેલ.
જેમાં સ્નાતિકા મિલન ટ્રસ્ટ સંચાલિત સ્નાતિકા મિલન - ગ્રેજયુએટ લેડીઝ કલબના નવા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત 100 થી વધુ મહિલાઓ, ટ્રસ્ટ પ્રમુખ કિરણબેન વી. કક્કડ, પ્રમુખ મનિષાબેન વગેરે દ્વારા મતદાર જાગૃતિ માટે શપથ લેવામાં આવેલ અને આ બધા બહેનો દ્વારા સમાજના દરેક લોકોને વધુ ને વધુ મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓ એ વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે બહેનોને મતદાર જાગૃતિ અન્વયે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વેપ ટીમના ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી અને ત્યારબાદ આ શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે, સ્વેપ મદદનીશ નોડેલ અધિકારી સંદિપ સોની સહિત સ્વેપ ટીમના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya