
ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 100 ટકા મતદાન માટે અપીલ કરી છે. રાજ્યભરમાં 396 સંસ્થાઓ માટે મતદાનમાં 4.19 કરોડ મતદારો અને 25 હજારથી વધુ ઉમેદવારો ભાગ લેશે.
સીએમની સૌ નાગરિકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે.
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. તેમણે “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા સૌને આવાહન કર્યું છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ 26 એપ્રિલ, રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપીલ કરી છે.
આવતીકાલે રવિવારે 26 એપ્રિલના રોજ, સમગ્ર રાજ્યમાં કુલ 396 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન યોજાવાનું છે. ગ્રામ્ય અને શહેરી વિકાસની દિશા નક્કી કરતી આ ચૂંટણીમાં રાજ્યના કરોડો મતદારો પોતાનો મહત્વનો મતાધિકાર ઉપયોગમાં લઈ શકશે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.
કુલ બેઠકોમાંથી 731 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 9,308 બેઠકો માટે સીધી ટક્કર જોવા મળશે. આ બેઠકો માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે, જે પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે.
મતદાનમાં અંદાજે 4.19 કરોડ મતદારો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
મતદારોને સુવિધા મળી રહે તે માટે રાજ્યભરમાં કુલ 49,591 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. દરેક મથક પર જરૂરી સુવિધાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઘણા રાજકીય વિશ્લેષકો તેને વિધાનસભાની ‘સેમી ફાઈનલ’ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આ પરિણામો આગામી રાજકીય દિશાને અસર કરી શકે છે.
વહીવટી તંત્ર અને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને મતદારોને નિર્ભયતાપૂર્વક તથા મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજ સુધી ચાલુ રહેશે. હવે સૌની નજર આવતીકાલના મતદાન પર કેન્દ્રિત થઈ છે, જ્યાં લોકશાહીના આ મહાપર્વમાં જનતા પોતાનો અંતિમ નિર્ણય આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ