વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વતૈયારી,ઇવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ
- જિલ્લામાં 18 ડિસ્પેચ સેન્ટર કાર્યરત કરાયા વડોદરા, 25 એપ્રિલ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 26મી એપ્રિલના રોજ રાજ્યમાં શહેર/જિલ્લામાં યોજાનાર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યન
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વતૈયારી,ઇવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ


- જિલ્લામાં 18 ડિસ્પેચ સેન્ટર કાર્યરત કરાયા

વડોદરા, 25 એપ્રિલ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 26મી એપ્રિલના રોજ રાજ્યમાં શહેર/જિલ્લામાં યોજાનાર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તે માટે 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે આજે વડોદરા જિલ્લામાં ચૂંટણીલક્ષી સામગ્રી અને ઇવીએમ મશીનોના વિતરણની પ્રક્રિયા ખૂબ જ આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે ત્યારે આજે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી માટે સમગ્ર જિલ્લામાં 18 જેટલા ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી મતદાન મથકો માટેની જરૂરી તમામ કીટ રવાના કરવામાં આવી હતી.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલ ખાતે રિસિવિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર પરથી ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16, 17, 18 અને 19ની કામગીરી સંભાળવામાં આવી રહી છે.

આ ચાર વોર્ડ હેઠળ આવતા અંદાજે 240 જેટલા મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી વહેંચવા માટે ખાસ 14 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ પર નિયુક્ત કર્મચારીઓ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર અને તેમની ટીમને ઇવીએમ મશીન, મતદાર યાદી, સ્ટેશનરી અને અન્ય અનિવાર્ય દસ્તાવેજોની ચકાસણી કરીને સોંપણી કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ તંત્ર દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે. આ માટે પોલીસ બંદોબસ્તની હાજરીમાં તમામ મશીનોને સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તમામ ટીમોને શાંતિપૂર્ણ રીતે સામગ્રી મળે તે માટે પીવાના પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ પણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવાઈ છે. આવતીકાલે સવારથી શરૂ થનારા મતદાન માટે વહીવટી તંત્રએ મજબૂત આયોજન દ્વારા પારદર્શક અને ન્યાયી ચૂંટણીની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande