
વડોદરા, 25 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલના રોજ, રવિવારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. તેના અનુસંધાનમાં વડોદરા જિલ્લાની તમામ શાળાઓમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અનુસંધાનમાં ગામના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને દરેક નાગરિક અચુક મતદાન કરે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વડોદરાની સરકારી માધ્યમિક શાળા, લીમડા, વાઘોડિયા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના પોસ્ટરો લઈને રેલીમાં ભાગ લીધો હતો અને અચુક મતદાન કરવા અંગેના નારા લગાવ્યા હતા.
આ સાથે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પણ આવતીકાલના નાગરિકો છે અને તેઓ પણ લોકશાહી પર્વનો એક ભાગ બને તે હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત, રોઝરી હાઈસ્કૂલ સ્થિત ઓડિટોરિયમ ખાતે સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યઓ સાથે શિક્ષણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું. સૌએ 100 % મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
જ્યારે પાદરા તાલુકાની શ્રી આર.બી. પટેલ વિદ્યાલય, ભોજ તેમજ સર્વોદય ઉચ્ચતર બાલિકા શાળા, મહુવડ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લીલોડ અને વાઘોડિયાની સરકારી માધ્યમિક શાળા ગામદરા ખાતે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને તેમના માતાપિતા અને સગા-સંબંધીઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા સમજ આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી અને ગ્રામજનોને પણ અચુક મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ