
ભાવનગર,26 એપ્રિલ (હિ.સ.) લોકશાહીનો મજબૂત પાયો તેના નાગરિકોના મતાધિકાર પર ટકેલો છે. ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ લોકશાહીનું પર્વ છે, જેમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ બને છે. આ પર્વ દરમિયાન યુવાનોમાં જ નહીં, પરંતુ વૃદ્ધોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળે છે. ભાવનગરના 78 વર્ષીય વરિષ્ઠ નાગરિક યશવંતરાય રણછોડલાલ દેસાઇ એ આ વાતને જીવંત કરી બતાવી છે.
સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામને પ્રાધાન્ય આપે છે અને સ્વાસ્થ્યની સમસ્યાઓને કારણે બહાર નીકળવાનું ટાળે છે. પરંતુ યશવંતરાય દેસાઇ માટે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ તે તેમના માટે એક પવિત્ર ફરજ છે. તેમણે પોતાના જીવનમાં ક્યારેય મતદાનનો અવસર ચૂકી નથી. આ વખતે પણ તેઓએ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર મતદાન કેન્દ્ર સુધી પહોંચી પોતાની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી.
તેમનો આ ઉત્સાહ અન્ય નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આજના સમયમાં ઘણી વખત યુવાનો મતદાન પ્રત્યે ઉદાસીનતા દર્શાવતા જોવા મળે છે, ત્યારે યશવંતરાય દેસાઇ જેવા વરિષ્ઠ નાગરિકો સૌને સંદેશ આપે છે કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક મત અગત્યનો છે.
તેમણે જણાવ્યું કે, “મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી છે. દરેક વ્યક્તિએ મતદાન કરીને પોતાના દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.”
યશવંતરાય દેસાઇનો આ જુસ્સો અને દેશપ્રેમ ખરેખર પ્રશંસનીય છે. તેઓ લોકશાહીના સાચા સજાગ પ્રહરી તરીકે અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT