રાજકોટમાં વધુ એક ગેમઝોનમાં આગની ઘટના : સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ
રાજકોટ, 26 એપ્રિલ (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ''ફન બ્લાસ્ટ'' ગેમ ઝોનમાં રવિવારની રજા દરમિયાન લાગેલી આગની ઘટનાએ તંત્ર અને નાગરિકોના જીવ અધ્ધર કરી દીધા હતા. ભૂતકાળમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ભયાનક હોનારતની યાદો હજુ તાજી છે, ત્યારે ફરી એકવ
રાજકોટ ગેમઝોનમાં આગની ઘટના


રાજકોટ, 26 એપ્રિલ (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા 'ફન બ્લાસ્ટ' ગેમ ઝોનમાં રવિવારની રજા દરમિયાન લાગેલી આગની ઘટનાએ તંત્ર અને નાગરિકોના જીવ અધ્ધર કરી દીધા હતા. ભૂતકાળમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ભયાનક હોનારતની યાદો હજુ તાજી છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના બનતા લોકોમાં ભારે નાસભાગ અને ફફડાટ જોવા મળ્યો હતો. સદનસીબે, ગેમ ઝોનની ફાયર સેફ્ટી સિસ્ટમ સમયસર કાર્યરત થઈ જતાં અને કર્મચારીઓની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને જાનહાનિ નિવારી શકાઈ હતી.

રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે ગેમ ઝોનમાં આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રેમ્પોલીન સેક્શન પાસે શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો જોઈને લોકોમાં 'આગ લાગી' હોવાની બૂમો સંભળાતા અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શી સોહને જણાવ્યું કે, તેઓ પોતાની દીકરી સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક ધુમાડો ફેલાયો અને લોકો જીવ બચાવવા બહારની તરફ દોડવા લાગ્યા હતા. ગેમ ઝોનના સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ જતાં હૂટર વાગવા લાગ્યા હતા, જેના કારણે ભયના માહોલમાં વધારો થયો હતો.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગેમ ઝોનના પ્રતિનિધિ જયદીપ સિંહ પરમારે સ્પષ્ટતા કરી હતી કે, જેવો સ્પાર્ક થયો કે તરત જ સેફ્ટી પ્રોટોકોલ મુજબ તમામ ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેમ ઝોનના કર્મચારીઓએ જાગૃતિ દાખવી ઓક્સિજન ના બાટલા વડે આગ પર પ્રાથમિક કાબૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે ઇન્ટરનલ ફાયર સિસ્ટમ કાર્યરત થવાથી મોટી હોનારત અટકી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande