
અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ શહેરમાં રાજકીય ગરમીની સાથે સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં પરિવાર સાથે મતદાન કર્યું, જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિકોલમાં મતદાન કર્યું. રાજ્યમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે.
આ વખતે યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારા Gen-Zનો ઉત્સાહ પણ આસમાને છે. અમદાવાદના અનેક મતદાન મથકો પર યુવાનોના જૂથો જોવા મળ્યા છે. કેટલાક યુવાનો તો ગ્રુપમાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની પણ અપીલ કરી.
શીલજ ખાતે પ્રાથમિક શાળામાં ભાજપના પ્રવક્તા અનિલ પટેલે મતદાન કર્યું. મતદાન કર્યા બાદ અનિલ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પંચાયતી રાજના સંદર્ભમાં ખૂબ મહત્વની હોય છે. મતદાનના દિવસને ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી તરીકે લોકોએ ઉજવવો જોઈએ. સવારથી જ ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. લોકશાહીમાં અપેક્ષા ધરાવતા મતદારોને ગરમી પણ રોકી શકતી નથી. વિકસિત ભારતની અપેક્ષા સાથે મતદારો આજે મતદાન કરી રહ્યા છે.
કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાને કર્યું મતદાન - આ વખતે પ્રથમ વખત મત આપનાર યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના જોધપુર ખાતે આવેલા મતદાન મથકે કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો યુવક મતદાન કરવા પહોંચ્યો હતો. મતદાન કર્યા બાદ આ યુવકે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું કે, “દરેક વ્યક્તિએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્યના વિકાસમાં યુવાનોની ભાગીદારી અત્યંત જરૂરી છે.”
આ ચૂંટણીમાં 86 વર્ષીય અશક્ત વૃદ્ધ શંકર ઠક્કરે સવારે વહેલા મતદાન મથકે પહોંચીને પોતાનો મત આપ્યો હતો. વૃદ્ધાવસ્થાને કારણે તેઓ ચાલવામાં પણ અસમર્થ હોવા છતાં મતદાન કરવાનો તેમનો જુસ્સો અદ્ભુત હતો. મતદાન પછી શંકરભાઈએ કહ્યું, “100 વર્ષ સુધી પહોંચો તો પણ મતદાન કરવું જોઈએ. મત આપવો એ આપણો અધિકાર છે અને ફરજ પણ છે. લોકોએ વધુને વધુ મતદાન કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ