ગાંધીનગર જિલ્લામાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશકતો માટે પોલીસ જવાનો બન્યા 'શ્રવણ'
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે ગાંધીનગર જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વ
પોલીસ જવાનોએ મદદ કરી


પોલીસ જવાનોએ મદદ કરી


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે ગાંધીનગર જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વચ્ચે પણ ગાંધીનગર પોલીસના જવાનોએ સંવેદનશીલતા દાખવીને દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો.

ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આવા સમયે ગાંધીનગર જિલ્લાના વિવિધ મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને હોમગાર્ડ્સે પોતાની ફરજની મર્યાદાથી ઉપર જઈને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અનેક બૂથ પર પોલીસે જાતે વ્હીલચેર ચલાવીને દિવ્યાંગોને મતદાન મથકની અંદર સુધી પહોંચાડ્યા હતા.

જેમાં પોલીસ જવાનો અશક્ત વૃદ્ધોને પોતાના હાથે તેડીને મતદાન મથકના પગથિયાં ચઢાવતા પણ જોવા મળ્યા હતા. લાંબી કતારોમાં ઊભા રહેવાને બદલે અશક્ત મતદારોને સીધો પ્રવેશ અપાવી, તેમના માટે પાણી અને બેસવાની વ્યવસ્થા પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથક પર 'સ્પેશિયલ આસિસ્ટન્સ' ટીમ જેવું વાતાવરણ સર્જાયું હતું. પોલીસ કર્મચારીઓને અગાઉથી જ સૂચના આપવામાં આવી હતી કે સુરક્ષાની સાથે-સાથે વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

ફરજ પરના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અમને ગર્વ છે કે અમે માત્ર સુરક્ષા જ નહીં, પણ એક નાગરિકને તેનો પવિત્ર અધિકાર વાપરવામાં મદદરૂપ થઈ શક્યા. વૃદ્ધોના આશીર્વાદ અમારી ફરજનું સૌથી મોટું ઈનામ છે.

પોલીસની આ મદદને કારણે એવા ઘણા મતદારોએ પણ મતદાન કર્યું જેઓ શારીરિક અશક્તિને કારણે ઘરે રહેવાનું વિચારી રહ્યા હતા. પોલીસની આ 'સહાયક' ભૂમિકાએ સામાન્ય જનતામાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ અને આદર વધુ દ્રઢ બનાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande