
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે એક-એક મતના મૂલ્યની વાત આવતી હોય, ત્યારે ઘણા લોકો આળસ કે, અન્ય કામોનું બહાનું કાઢી મતદાન કરવાનું ટાળતા હોય છે. પરંતુ, ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામના રહેવાસી જંખનાબેન પટેલએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો મનમાં દેશ પ્રત્યેની ફરજની ભાવના હોય, તો કોઈ પણ અંગત પ્રસંગ મતદાનમાં અવરોધ બની શકતો નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જંખનાબેનના ઘરે લગ્નનો પ્રસંગ હતો. લગ્ન જેવા મહત્ત્વના અને વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે સામાન્ય રીતે લોકો ઘરના કામકાજમાં ગૂંચવાયેલા રહેતા હોય છે. પરંતુ જંખનાબેને પહેલા મતદાન, પછી અન્ય કાર્ય ના મંત્રને સાર્થક કરતા, લગ્નમાં જતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. પોતાનો મત આપ્યા બાદ જંખનાબેને ગર્વ સાથે પોતાની આંગળી પરનું શ્યાહીનું નિશાન બતાવ્યું હતું. તેમણે અન્ય નાગરિકોને પણ પ્રેરણા આપતા જણાવ્યું કે,મારે આજે લગ્ન પ્રસંગમાં જવાનું હોવા છતાં, મેં મારી નૈતિક ફરજ સમજીને સૌથી પહેલા મતદાન કર્યું છે. હું આપ સૌને પણ વિનંતી કરું છું કે, આપ પણ વહેલી તકે મતદાન મથકે જઈ તમારો મત ચોક્કસ આપો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીધી રીતે ગ્રામ વિસ્તારના વિકાસ સાથે જોડાયેલી હોય છે. ત્યારે જંખનાબેન જેવા જાગૃત નાગરિકો, સમાજ માટે પ્રેરણારૂપ બને છે. જંખનાબેનનો આ ઉત્સાહ આપણને શીખવે છે કે, ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ દેશના નિર્માણમાં સહભાગી થવાની તક ક્યારેય ચૂકવી ન જોઈએ. ચાલો, આપણે પણ આ લોકશાહીના પર્વમાં જોડાઈએ અને મતદાન કરીએ!
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ