લોકશાહીનું મહાપર્વ: ગાંધીનગરના ઉવારસદ ગામમાં વહેલી સવારથી જ, જાગૃત મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આજે લોકશાહીના મહાપર્વનો મંગળ પ્રારંભ થયો છે. સવારે 7 ના ટકોરે મતદાન શરૂ થતાની સાથે જ ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના રહીશ જશુજી ઠાકોર સવારે સૌથી પહેલા મતદાન મથકે પહ
ઉવારસદના મતદાતા


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આજે લોકશાહીના મહાપર્વનો મંગળ પ્રારંભ થયો છે. સવારે 7 ના ટકોરે મતદાન શરૂ થતાની સાથે જ ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના રહીશ જશુજી ઠાકોર સવારે સૌથી પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો પવિત્ર મત આપી લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા પ્રગટ કરી હતી. મતદાન બાદ તેમણે અન્ય નાગરિકોને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી ફરજ છે, અને લોકશાહીના પાયાને મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ.

ઉવારસદના જ અન્ય એક મહિલા મતદાતા હેતલબેન ઠાકોર, જેઓ બીજાના ઘરે ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે, તેમણે પણ પોતાની દૈનિક મજૂરીએ જતા પહેલા મતદાનને પ્રાથમિકતા આપી હતી. સમયસર કામે પહોંચવાની સાથે લોકશાહીના આ પર્વમાં સહભાગી થવાની તેમની તત્પરતા ખરેખર બિરદાવવા લાયક છે. તેમની આ જાગૃતિ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ જ રીતે, 56 વર્ષીય દેવુબેન ઠાકોર અને તેમના પુત્ર વિક્રમજી ઠાકોરે પણ વહેલી સવારે મતદાન મથકે પહોંચીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. આ તકે તેમણે અન્ય મતદારોને આહવાન કરતા કહ્યું કે, જો મોટી ઉંમરના વડીલો હોંશે હોંશે મતદાન કરવા આવી શકતા હોય, તો યુવાનોએ પણ જાગૃત થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ. આમ, ઉવારસદના ગ્રામજનોએ વહેલી સવારથી જ મતદાન મથકો ગજવીને લોકશાહીના ઉત્સવને સફળ બનાવવાની શરૂઆત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande