“પહેલા મતદાન, પછી કામ” : ગોપનાથના માછીમારનો પ્રેરણાદાયી સંદેશ
ભાવનગર, 26 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ઉત્સાહપૂર્ણ અને લોકશાહી ભાવનાથી ભરપૂર માહોલ વચ્ચે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. આ વચ્ચે તળાજા તાલુકાના ગોપનાથ વિસ્તારથી એક
મતદાન


ભાવનગર, 26 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ઉત્સાહપૂર્ણ અને લોકશાહી ભાવનાથી ભરપૂર માહોલ વચ્ચે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. આ વચ્ચે તળાજા તાલુકાના ગોપનાથ વિસ્તારથી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જેણે અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગોપનાથ દીવાદાંડી વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરસોત્તમભાઈ મંગાભાઈ વાઘેલાએ પોતાના રોજગાર કરતાં પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવી હતી. દરરોજની જેમ તેઓ માછીમારી માટે દરિયામાં જવાના હતા, પરંતુ તે પહેલાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો વધુ મહત્વનો ગણ્યો.

પરસોત્તમભાઈ વહેલી સવારે શ્રી શિવમ વિદ્યાલય, ગોપનાથ ખાતે આવેલ મતદાન મથક પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. મતદાન કર્યા બાદ જ તેઓ પોતાના રોજિંદા વ્યવસાય માટે દરિયામાં નીકળી ગયા હતા.

તેમના આ પગલાએ “પહેલા મતદાન, પછી કામ”નો સશક્ત સંદેશ સમાજમાં પ્રસરાવ્યો છે. રોજિંદી જવાબદારીઓ વચ્ચે પણ મતદાનને પ્રથમ સ્થાન આપવું એ જાગૃત નાગરિકની ઓળખ છે, તે વાત તેમણે પોતાના વર્તન દ્વારા સાબિત કરી છે.

ભાવનગર જિલ્લામાં હાલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

આવા જાગૃત નાગરિકોના પ્રયાસોથી લોકશાહી વધુ મજબૂત બને છે અને મતદાનનું મહત્વ વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande