
ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) : જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી, ગીર સોમનાથની સૂચના તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન દિવ્યાંગ મતદારોને સરળ, સુલભ અને સન્માનજનક રીતે મતદાન કરી શકે તે માટે વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ચૂંટણી લોકશાહીના પર્વ સમાન છે અને દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની સમાન તક પ્રાપ્ત થાય તે હેતુસર સંસ્થાના સહાયકો દ્વારા વિવિધ મતદાન કેન્દ્રો પર દિવ્યાંગજનો માટે જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી હતી. મતદાન કેન્દ્રો પર વ્હીલચેર, સહાયક કર્મચારીઓ તથા માર્ગદર્શન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે દિવ્યાંગ મતદારોને કોઈપણ મુશ્કેલી વિના મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહી હતી.
સંસ્થાના સહાયકો દ્વારા વૃદ્ધ, ચાલવામાં અસમર્થ તથા ખાસ જરૂરિયાત ધરાવતા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા, લાઈનમાં યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ મતદાન પ્રક્રિયા અંગે જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. આ કામગીરીને કારણે અનેક દિવ્યાંગ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ખુશીપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
આ સેવા કાર્યને સફળ બનાવવા જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનારના કર્મચારીઓ આરીફભાઈ ચાવડા, રાકેશભાઈ બેરડીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીગીર સોમનાથના સહાયક તનવીરભાઈ ચાવડા તથા સંસ્થાના અન્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ ટીમ સભ્યોએ સેવાભાવથી ફરજ બજાવી ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ અને સર્વસમાવેશક બનાવવા યોગદાન આપ્યું હતું.
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સતત સમાજસેવા, દિવ્યાંગજનોના અધિકારો અને સુલભતા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવામાં આવે છે. ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી આ સેવા સમાજમાં સકારાત્મક સંદેશ આપનારી અને લોકશાહી મજબૂત બનાવનારી સાબિત થઈ છે.
સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદ લોકો માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ