
ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત તા.૨૬ એપ્રિલ રવિવારના રોજ મતદાનમાં નાગરિકો સહભાગી બની રહ્યાં છે. લોકશાહીના આ મહાપર્વમાં સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.
પ્રશ્નાવડા ગામ ખાતે લગ્નની વિધિઓ વચ્ચેથી સમય કાઢીને વરરાજા સુરેશભાઈ પરમારે નૈતિક ફરજ સમજી મત આપવાના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વમાં મતદાન કર્યું હતું.
સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, લોકશાહીના પાવન પર્વને ઉજાગર કરવા મતદાન ખૂબ જ જરૂરી છે. જેમ મેં મતદાન કરી મારી પવિત્ર ફરજ બજાવી છે એમ સર્વે નાગરિકો મતદાન કરી આ મહાપર્વમાં ભાગીદાર બને એવી અપીલ તેમણે આ અવસરે કરી હતી.
આ રીતે લગ્નના દિવસે પોતે મતદાન કરીને સુરેશભાઈએ અન્ય નાગરિકો માટે મતદાન કરવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ