
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) જિલ્લામાં યોજાઇ રહેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન કરવા આવતા મતદારોને મેડિકલ ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે તમામ મતદાન ખાતે મેડિકલ ટીમ પ્રાથમિક સારવાર અને ઓ.આર.એસ. ની કીટ સાથે સુસજ્જ છે.
તાલાળા તાલુકાના ધ્રામણવા ગામે , ધ્રામણવા-૨ મતદાન મથકે આજે ૨૯ વર્ષના કિંજલબેન ચુડાસમા સવારે મતદાન કરવા માટે ગયા હતા.
જ્યાં અચાનક તેઓનું બ્લડપ્રેશર ઘટી જતાં તેઓ બેભાન થઈ ગયાં હતાં. જેથી તેઓને તાત્કાલિક મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
પ્રાથમિક સારવાર અને ઓ.આર.એસ. આપીને તેમની સ્થિતિ સામાન્ય થતાં તેઓને મતદાન કરાવી કિંજલબેનને પરત તેમના ઘરે મોકલવામાં આવ્યાં હતાં.
મતદાન મથક પર ઝોનલ ઑફિસર અને આરોગ્ય ટીમની સતર્કતાને કારણે કિંજલબેનને તાત્કાલિક સારવાર મળી હતી. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને અગાઉથી જ આરોગ્ય વિભાગની ટીમ તૈયાર રાખવાને કારણે આવી અચાનક બનતી ઘટનાઓને તાત્કાલિક પ્રતિસાદ આપીને લોકશાહીના ઉત્સવના માહોલને બરકરાર રાખવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ