
વાપી , 26 એપ્રિલ (હિ.સ.)
વાપી નજીક આવેલ પંડોર ગામમાંથી લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવતી એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. અહીં એક યુવાને પોતાના લગ્નના દિવસે સૌપ્રથમ મતદાન કરીને સમાજને સારો સંદેશ આપ્યો છે.
માહિતી મુજબ, પંડોર ગામના રહેવાસી અનાવિલ શ્રેષ્ઠી દિનેશભાઈ ધીરુભાઈ દેસાઈના પુત્ર કરણ દિનેશભાઈ દેસાઈએ પોતાના લગ્નના દિવસે સવારે દુલ્હાના વેશમાં જ મતદાન કેન્દ્રે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લગ્ન જેવી મહત્વની વિધિ પહેલાં તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી.
કેવળ કરણ દેસાઈ જ નહીં, પરંતુ તેમના ભાઈ રવિ અને માતાએ પણ પંડોર શાળામાં આવેલા મતદાન કેન્દ્રે જઈ મતદાન કર્યું હતું. સમગ્ર પરિવારે મળીને “પહેલા મતદાન, પછી લગ્ન”નો સંદેશ આપ્યો, જે ત્યાં હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
દુલ્હાને લગ્નના વસ્ત્રોમાં મતદાન કરતા જોઈ અન્ય મતદાતાઓ આશ્ચર્યચકિત બની ગયા હતા અને આ અનોખી પહેલની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ પંડોર ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સકારાત્મક સંદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha