

મહેસાણ, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. જિલ્લાના 1723 મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી અને મતદારોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. મતદાન મથકો પર કોઈ અગવડતા ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી મતદારો માટે શુદ્ધ પીવાનું પાણી, બેસવાની સુવિધા સહિત પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓઆરએસ, જરૂરી દવાઓ અને મોબાઈલ મેડિકલ ટીમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેથી મતદારોને તાત્કાલિક આરોગ્ય સહાય મળી રહે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ રીતે મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે.
મતદાન કરી રહેલા નાગરિકોએ અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. લોકશાહીના આ પર્વમાં લોકોનો ઉત્સાહ અને ભાગીદારી જિલ્લા ભર ચર્ચાનો વિષય બની છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR