
જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થતાં જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી. જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકો પર મતદારોના ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. જ્યારે લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ પણ થઈ હતી.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લા પંચાયતની ભાદરા -3 બેઠકના લખતર ગામે મતદાન મથક પર આમ આદમી પાર્ટી અને ભાજપના આગેવાનો વચ્ચે થોડીવાર માટે ગરમા ગરમી થઈ હતી. પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ ધરમશી ચનીયારા સહિતના આગેવાનો સાથે ગરમા ગરમી જોવા મળી. ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
જ્યારે કે, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામના ગ્રામજનોએ એકજૂટ થઈને મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. એક મહિના અગાઉ બાજુના ગામના ખેડૂત દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામના કારણે ગામના રસ્તાઓ બગડતા ગ્રામજનોને રોજિંદા અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા ઉકેલવા માટે ગ્રામજનોએ ધ્રોલ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ જિલ્લા પંચાયત સુધી અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નહોતું.
પીપરટોડાના નારાજ ગ્રામજનોએ અંતે મતદાનનો બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો. 180 જેટલા મતદારો ધરાવતા પીપરટોડા ગામમાં મતદાન પ્રક્રિયા પર આ બહિષ્કારનો સ્પષ્ટ અસર જોવા મળ્યો છે. ગ્રામજનોની માંગ છે કે, તંત્ર દ્વારા તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, ત્યારબાદ જ તેઓ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt