


કચ્છ, 26 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રવિવારે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ હતી, પરંતુ સવારના સાડા અગિયાર વાગ્યા સુધી મળેલા આંકડાઓ દર્શાવે છે કે જિલ્લાભરમાં મતદાનની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહી છે. ખાસ કરીને કચ્છના મુખ્ય નગરો ભુજ અને ગાંધીધામમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી, જ્યારે મુન્દ્રા-બારોઈ વિસ્તારમાં સરખામણીએ વધુ મતદાન નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લાની પાંચ નગરપાલિકા અને એક મહાનગરપાલિકામાં સવારના પ્રથમ ચાર કલાકના મતદાનના આંકડા મુજબ ભુજ નગરપાલિકામાં પુરુષ મતદારોનું 21.35 ટકા અને સ્ત્રી મતદારોનું 17.25 ટકા મતદાન નોંધાયું હતું, જે કુલ મળીને માત્ર 19.30 ટકા થાય છે. જિલ્લા મુખ્યાલય હોવા છતાં ભુજમાં આટલી ઓછી ટકાવારી ચૂંટણી તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. બીજી તરફ અંજાર નગરપાલિકામાં પુરુષ 25.13 ટકા, સ્ત્રી 19.07 ટકા અને કુલ 22.16 ટકા મતદાન નોંધાયું. માંડવીમાં કુલ 24.28 ટકા મતદાન નોંધાયું જેમાં પુરુષ મતદારો 25.91 ટકા અને સ્ત્રી મતદારો 22.63 ટકા રહ્યા.
જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન મુન્દ્રા-બારોઈ નગરપાલિકામાં નોંધાયું છે. અહીં પુરુષ મતદારોનું 30.84 ટકા અને સ્ત્રી મતદારોનું 23.25 ટકા મતદાન થતાં કુલ 27.12 ટકા મતદાન નોંધાયું છે. આ આંકડો અન્ય તમામ નગરપાલિકાઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. નખત્રાણા નગરપાલિકામાં પણ કુલ 22.10 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં ચોંકાવનારી રીતે સૌથી ઓછું મતદાન સામે આવ્યું છે. અહીં પુરુષ મતદારોનું 17.12 ટકા, સ્ત્રી મતદારોનું માત્ર 12.50 ટકા અને કુલ 14.91 ટકા મતદાન નોંધાતા રાજકીય પક્ષો માટે ચિંતા ઊભી થઈ છે.
સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં રહી હોવાનું ચૂંટણી તંત્રએ જણાવ્યું છે. અત્યાર સુધી ક્યાંય કોઈ હિંસક બનાવ, ગેરસમજ કે કાયદો-વ્યવસ્થાનો ભંગ થયો હોય તેવી ઘટના સામે આવી નથી. તે જ રીતે કોઈપણ મતદાન મથકે ઈવીએમ મશીન બદલવાની ફરજ પડી હોય કે ટેકનિકલ ખામીના કારણે મતદાન અટક્યું હોય તેવી માહિતી પણ મળી નથી. આથી ચૂંટણી તંત્રએ અત્યાર સુધીની પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારૂ ગણાવી છે.
ભુજ ખાતે ભાજપના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાના પરિવાર સાથે લેવા પટેલ કન્યાશાળામાં પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે લોકોને લોકશાહીના પર્વમાં જોડાઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. જોકે ભુજમાં સવારથી જ ગરમીનો પારો ચઢતા મતદારો ઘરમાંથી બહાર નીકળવામાં ધીમી ગતિ દાખવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી તંત્રના સૂત્રોનું કહેવું છે કે બપોર બાદ અથવા સાંજના સમયે મતદાનની ગતિમાં વધારો થઈ શકે છે.
મતદાન દરમિયાન ભુજના અમુક મતદાન મથકો પર ચૂંટણી કર્મચારીઓ અને પત્રકારો વચ્ચે મર્યાદિત શૂટિંગને લઈને થોડી ક્ષણો માટે ચડભડ સર્જાઈ હતી. પત્રકારો દ્વારા મતદાન મથકની અંદર મીડિયા પાસના આધારે કવરેજ કરવાની માંગણી કરવામાં આવી હતી, જ્યારે કેટલાક કર્મચારીઓએ શરૂઆતમાં રોકટોક કરી હતી. બાદમાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂઆત થતાં સુખદ સમાધાન આવ્યું અને મીડિયાને નિયમોની અંદર રહીને શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટનાએ થોડા સમય માટે ગેરસમજ ઊભી કરી હતી, પરંતુ વાતાવરણ શાંત રહ્યું.
તે જ રીતે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે પણ એક મતદાતાને પોલીસે જણાવ્યું કે તેમનું મતદાન મથક અહીં નથી, જેને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. જોકે થોડા સમય બાદ ચૂંટણી અધિકારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરી મામલો શમાવ્યો હતો અને મતદાતા સહિત અન્ય લોકોનું મતદાન નિયમિત રીતે ચાલુ રહ્યું હતું. આ બંને નાની ઘટનાઓ સિવાય સમગ્ર જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની રાજકીય હરીફાઈ ખાસ ધ્યાન ખેંચી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ – આમ ચારેય મુખ્ય રાજકીય પક્ષોએ કચ્છની વિવિધ નગરપાલિકાઓ અને ગાંધીધામ મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. અનેક બેઠકો પર સીધી ટક્કર અને અનેક સ્થળે બહુಮುಖી જંગ સર્જાતા પરિણામો રસપ્રદ રહેવાની શક્યતા છે. જોકે અત્યાર સુધીના મતદાનના આંકડા દર્શાવે છે કે મતદાતાઓમાં ખાસ્સી નિરસતા છે અને જો બપોર બાદ પણ આવો જ માહોલ રહ્યો તો ઓછું મતદાન ઘણા ઉમેદવારોના રાજકીય સમીકરણ બદલી શકે છે.
હાલ સૌની નજર સાંજ સુધીની અંતિમ મતદાન ટકાવારી પર ટકેલી છે. સવારના ધીમા મતદાન બાદ શું બપોર અને સાંજના કલાકોમાં મતદારો મતદાન મથકો સુધી પહોંચશે કે નહીં તે હવે સૌથી મોટો સવાલ છે. ખાસ કરીને ભુજ અને ગાંધીધામ જેવા મહત્વના શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય છે કે નહીં તે ચૂંટણીના અંતિમ ચિત્રને અસર કરશે. કચ્છના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક માનાતી આ ચૂંટણીમાં મતદારોનો પ્રતિસાદ અંતિમ કલાકોમાં કેટલો મળે છે તેના પર હવે સમગ્ર જિલ્લાની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar