



કચ્છ, 26 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને રવિવારે મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે ભુજ શહેરના વિવિધ મતદાન મથકોની સ્થળ પર જઈને નિરીક્ષણ મુલાકાત લીધી હતી. મતદાન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે કે નહીં, મતદારોને કોઈ અગવડતા તો નથી ને તેમજ ફરજ પર મુકાયેલા કર્મચારીઓ કામગીરી કેવી રીતે સંભાળી રહ્યા છે તેની જાતે સમીક્ષા કરી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટર આનંદ પટેલે ભુજના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં આવેલી હિન્દી શાળા નંબર ૧૪ સહિતના મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. દરેક મતદાન મથકે પહોંચીને તેમણે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કર્મચારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. મતદાન પ્રક્રિયાના દરેક તબક્કા અંગે માહિતી મેળવી તેમણે ખાસ સૂચના આપી હતી કે મતદાન માટે આવતા દરેક નાગરિકને સરળતા, પારદર્શિતા અને સમયસર સુવિધા મળી રહે તે તંત્રની પ્રથમ જવાબદારી છે.
મુલાકાત દરમિયાન આનંદ પટેલે મતદાન મથકોની અંદરની સુવિધાઓ, કતાર વ્યવસ્થા, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટેની સુલભતા, પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થા જેવી બાબતોનું પણ અવલોકન કર્યું હતું. કેટલાક સ્થળોએ મતદારો સાથે સીધી વાતચીત કરીને તેમણે પૂછપરછ કરી હતી કે મતદાન માટે કોઈ મુશ્કેલી તો ઉભી થતી નથી ને. મતદારો પાસેથી મળેલા સકારાત્મક પ્રતિસાદને પગલે તેમણે ચૂંટણી તંત્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
કલેક્ટરે લોકશાહીના આ મહત્ત્વના પર્વને માત્ર ઔપચારિકતા નહીં પરંતુ નાગરિક ફરજ ગણાવી હતી. મતદાન કરવા આવેલા સ્થાનિક નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધતા તેમણે જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક શાસન માટે જાગૃત મતદાન જરૂરી છે. દરેક મતદારે પોતાના વિસ્તારના વિકાસ, સુવિધા અને ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ અને એકપણ મત બગાડવો નહીં જોઈએ.
ખાસ નોંધનીય બાબત એ રહી કે આનંદ પટેલે પોતાનું મતાધિકાર પણ પોસ્ટલ બેલેટ મારફતે ઉપયોગમાં લઈ લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. અધિકારી તરીકે ચૂંટણીનું સંચાલન અને નાગરિક તરીકે મતદાન – બંને ફરજનું પાલન કરીને તેમણે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભુજના મતદાન મથકોની મુલાકાત પૂર્ણ કર્યા બાદ આનંદ પટેલે કચ્છ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી હતી કે લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે મહત્તમ સંખ્યામાં બહાર આવી મતદાન કરે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકોના રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી હોય છે, તેથી આ ચૂંટણીમાં દરેક મત અત્યંત કિંમતી છે.
આ સમગ્ર નિરીક્ષણ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ સહિત ચૂંટણી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સ્થળ પર કલેક્ટરની હાજરીથી મતદાન કર્મચારીઓમાં જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી, જ્યારે મતદારોમાં પણ વિશ્વાસનો માહોલ સર્જાયો હતો. કચ્છમાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તંત્ર અને જનતા બંને સક્રિય બન્યા હોય તેવું ચિત્ર ભુજના મતદાન મથકો પર જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar