ભુજમાં મતદાનના દિવસે તંત્રનો છબરડો: બુથ શોધતા મતદારો ભટક્યા, ડબલ સ્લીપથી ઉઠ્યા ગંભીર સવાલો
કચ્છ, 26 એપ્રિલ (હિ.સ.) : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીના પર્વ તરીકે ઉજવાઈ રહી છે, પરંતુ ભુજ શહેરમાં મતદાનના દિવસે જ ચૂંટણી તંત્રની બેદરકારી અને આયોજનની ખામીઓ ખુલ્લેઆમ સામે આવી ગઈ હતી. મતદાન માટે વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક ઘરેથી નીકળેલ
પોલીસનો માનવતાવાદી અભિગમ


પોલીસનો માનવતાવાદી અભિગમ


પોલીસનો માનવતાવાદી અભિગમ


પોલીસનો માનવતાવાદી અભિગમ


કચ્છ, 26 એપ્રિલ (હિ.સ.) : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીના પર્વ તરીકે ઉજવાઈ રહી છે, પરંતુ ભુજ શહેરમાં મતદાનના દિવસે જ ચૂંટણી તંત્રની બેદરકારી અને આયોજનની ખામીઓ ખુલ્લેઆમ સામે આવી ગઈ હતી. મતદાન માટે વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક ઘરેથી નીકળેલા અનેક મતદારોને પોતાના મતદાન મથક સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભુજના વોર્ડ નંબર 4, 7 અને 8 વિસ્તારમાં મતદારો માટે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની હતી.

નવા સીમાંકન પછી વોર્ડોની સીમાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હોવા છતાં મતદારો સુધી તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું હતું. પરિણામે અનેક મતદારો પાસે નામ મતદાર યાદીમાં હોવા છતાં તેઓ કયા મતદાન મથકે મત આપવાના છે તેની ચોક્કસ જાણકારી નહોતી. ઘણા લોકો એક મતદાન કેન્દ્રેથી બીજા કેન્દ્ર સુધી ચક્કર મારતા જોવા મળ્યા હતા. સવારથી લાઈનમાં ઉભા રહી અને પછી પોતાનું બુથ જ ન મળતાં મતદારોમાં અસંતોષ અને રોષ બંને જોવા મળ્યો હતો.

ભુજના ગણેશનગર વિસ્તારમાં આવેલી શાળા નંબર 17 ખાતે એક વૃદ્ધ મતદારની વ્યથા સમગ્ર અવ્યવસ્થાનું પ્રતિબિંબ બની હતી. તેમણે ચૂંટણી ઝોનલ અધિકારી સમક્ષ કંટાળાભેર રજૂઆત કરતા કહ્યું કે, “હું અત્યાર સુધી લોકસભા અને વિધાનસભાની અનેક ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યો છું, પરંતુ આવી ગેરવ્યવસ્થા ક્યારેય જોઈ નથી. હું હાર્ટ પેશન્ટ છું, સવારથી ફરું છું છતાં મારું મતદાન મથક મળતું નથી.” વૃદ્ધ મતદારની આ પીડાએ તંત્રની તૈયારી પર સીધો સવાલ ઉભો કર્યો હતો. ચૂંટણીના દિવસે જ જો વયોવૃદ્ધ અને બીમાર મતદારોને આટલી તકલીફ સહન કરવી પડે તો મતદાન વ્યવસ્થાની સંવેદનશીલતા ક્યાં રહી તેવો પ્રશ્ન લોકમુખે ઉઠ્યો હતો.

મતદાનની ગેરવ્યવસ્થા વચ્ચે વધુ ચોંકાવનારી ઘટના ત્યારે સામે આવી જ્યારે ભુજના એક જાગૃત મતદારને બે અલગ-અલગ વોર્ડમાંથી મતદાન સ્લીપ મળ્યાનો કિસ્સો બહાર આવ્યો. એક જ વ્યક્તિને વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 – એમ બે જુદા વિસ્તારોમાંથી મતદાન માટે સ્લીપ ઈશ્યુ થવાથી ચૂંટણી તંત્રની ડેટા મેનેજમેન્ટ પ્રક્રિયા પર ગંભીર શંકા ઊભી થઈ છે. સામાન્ય રીતે કોઈપણ મતદારનું નામ માત્ર એક જ વોર્ડ અને એક જ મતદાન મથકમાં હોવું જોઈએ, પરંતુ અહીં એક જ વ્યક્તિનો રેકોર્ડ બે અલગ વિભાગમાં સક્રિય હોવાનું સામે આવતા લોકોમાં આશ્ચર્ય સાથે રમૂજ પણ ફેલાઈ ગઈ હતી. લોકો વચ્ચે ચર્ચા ચાલતી હતી કે “આ તો લોટરી લાગી, એક માણસ બે મત આપશે!” જોકે આ હાસ્યાસ્પદ લાગતી ઘટના વાસ્તવમાં લોકશાહીની પવિત્ર પ્રક્રિયામાં મોટી ક્ષતિ ગણાય એવી છે.

આ બનાવ પછી લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે—એક જ વ્યક્તિનો ડેટા બે વોર્ડમાં કેવી રીતે નોંધાયો? મતદાર યાદીનું સુધારકામ યોગ્ય રીતે થયું હતું કે નહીં? જો આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિએ બે સ્થળે મતદાન કરવાનો પ્રયાસ કર્યો હોત તો તેની જવાબદારી કોણ લેત? માત્ર એક જ નહીં, પરંતુ ઘણા મતદારોના વોર્ડ બદલાઈ જવાથી તેઓ ગૂંચવણમાં મુકાયા હતા. રાજકીય પક્ષો દ્વારા વહેંચાયેલી મતદાર સ્લીપ અને તંત્રની સત્તાવાર માહિતી વચ્ચે પણ તફાવત જોવા મળતા મતદારો વધુ ગૂંચવાયા હતા.

નવા સીમાંકનને પગલે અનેક રહેણાંક વિસ્તારોના મતદારોના નામ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડાતા મતદાન કેન્દ્રો પણ દૂર ચાલ્યા ગયા હતા. ખાસ કરીને વયોવૃદ્ધ નાગરિકો અને મહિલાઓ માટે આ સ્થિતિ કંટાળાજનક સાબિત થઈ હતી. પોતાના ઘરની આસપાસ મતદાન કેન્દ્ર મળશે તેવી આશાએ નીકળેલા લોકો દૂરના મથકો સુધી પહોંચવા મજબૂર બન્યા હતા. ઘણા મતદારો દ્વારા સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે મતદાન મથકોની ફાળવણી લોકોના રહેણાંકને ધ્યાને રાખીને વધુ વ્યવસ્થિત થવી જોઈએ.

આ સમગ્ર ગેરવ્યવસ્થાની વચ્ચે ભુજ શહેરમાં પોલીસનો માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો હતો. કેટલાક મતદાન મથકો પર વયોવૃદ્ધ અને અશક્ત નાગરિકો મુશ્કેલીમાં મુકાતા પોલીસની ‘શી ટીમ’ સહાય માટે આગળ આવી હતી. પોલીસ કર્મચારીઓએ આવા મતદારોને વાહનમાંથી ઉતારી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ્યા, તેમને લાઈનમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું અને મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે વ્યક્તિગત મદદ કરી હતી. ચૂંટણી તંત્રની અવ્યવસ્થાની વચ્ચે પોલીસની આ સંવેદનશીલ કામગીરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

એક તરફ મતદાનને લોકશાહીનો મહોત્સવ કહેવામાં આવે છે, પરંતુ બીજી તરફ ભુજમાં બુથ શોધતા ભટકતા મતદારો, ડબલ મતદાર સ્લીપ, બદલાયેલા વોર્ડ અને માર્ગદર્શનના અભાવે સર્જાયેલી ગૂંચવણએ ચૂંટણી તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે. મતદાન જેવી અતિમહત્વની પ્રક્રિયામાં આવી ઢીલાશ માત્ર વ્યવસ્થાપનનો પ્રશ્ન નથી, પરંતુ તે મતદારોના વિશ્વાસ સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે જરૂરી બની ગયું છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ કચ્છ વહીવટી તંત્ર આ સમગ્ર ગડબડની ગંભીર સમીક્ષા કરે અને જવાબદાર વિભાગો સામે કડક કાર્યવાહી કરે, જેથી લોકશાહીના પર્વ પર આવનારા સમયમાં આવી બેદરકારી ફરી ન દોહરાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande