
મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના ભાન્ડુ ગામમાં યુવાઓ દ્વારા શરૂ કરાયેલ સર્વ સેવા સંગઠને વધુ એક લોકહિતની પહેલરૂપે નિઃશુલ્ક મેડિકલ પૂરક સાધનો સેવા શરૂ કરી છે. અબોલ જીવોની સેવા, આશ્રમશાળાઓમાં ભોજન સેવા અને સામાજિક કાર્યો બાદ હવે ગામલોકોને મેડિકલ સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની અનોખી પહેલ હાથ ધરાઈ છે.
એક વર્ષ પહેલા યુવાઓએ શરૂ કરેલા આ સંગઠનમાં આજે 70થી વધુ સભ્યો સેવા આપી રહ્યા છે. દૂધ ડેરીની બાજુમાં શરૂ કરાયેલી આ સેવામાં સેમી ફલાવર બેડ, વ્હીલ ચેર, એર બેડ, નેબ્યુલાઈઝર, ફોલ્ડિંગ વોકર, IV સ્ટેન્ડ અને ટોયલેટ ખુરશી જેવા સાધનો જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આપવામાં આવે છે. વૃદ્ધો, દર્દીઓ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સેવા આશીર્વાદ સમાન બની છે.
સંગઠન અગાઉથી અબોલ જીવોને અન્ન સેવા, ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ, આશ્રમશાળાઓમાં ભોજન સેવા અને શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. હવે મેડિકલ સેવા ઉમેરાતા સંગઠનની કામગીરી વધુ વ્યાપક બની છે.
યુવાઓના આ પ્રયાસે ગામમાં સેવાભાવની નવી દિશા ઉભી કરી છે. ભાન્ડુનું સર્વ સેવા સંગઠન ગામડાંમાં સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR