મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ 6ના બુથ પર EVM ખામીથી અડધો કલાક મતદાન ખોરવાયું
મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. અંદાજે 1.73 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 6ના બુથ નંબર 8 પર EVM મશીનમાં ખામી સર્જાતા અડધો કલાક સુધી મતદાન પ
મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ 6ના બુથ પર EVM ખામીથી અડધો કલાક મતદાન ખોરવાયું


મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. અંદાજે 1.73 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 6ના બુથ નંબર 8 પર EVM મશીનમાં ખામી સર્જાતા અડધો કલાક સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.

સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે મતદાન મોડું શરૂ થતાં વહેલી સવારે પહોંચેલા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક મતદારોએ જણાવ્યું કે તેઓ સવારે 6 વાગ્યાથી મતદાન માટે આવ્યા હતા અને 5થી10 કિમી દૂરથી પહોંચ્યા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મતદારોએ ચૂંટણી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી મશીનોની પૂર્વ ચકાસણી કરવાની માંગ કરી હતી.

ખામી અંગે જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરાતા અડધો કલાક બાદ મશીન ફરી કાર્યરત બન્યું હતું. ત્યારબાદ મતદાન પ્રક્રિયા ફરી શરૂ થતા મતદારોમાં હાશકારો જોવા મળ્યો હતો.

બીજી તરફ શહેરના મોટાભાગના મતદાન મથકો પર વહેલી સવારે પાંખી હાજરી જોવા મળી હતી. દિવસ દરમિયાન મતદાન ટકાવારી વધે તેવી શક્યતા વચ્ચે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande