
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) વોર્ડ નં. 12 ખાતે યોજાયેલા ઢિમ્મર સમાજના સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપતિઓએ પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરતાં પહેલાં લોકશાહીના મહત્ત્વને પ્રાથમિકતા આપી. લગ્નવિધિ પહેલાં તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
આ નવદંપતિઓએ વ્યક્તિગત ખુશીના પ્રસંગ વચ્ચે પણ દેશ પ્રત્યેની ફરજ નિભાવતા એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ પગલાંથી સમાજમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાનો સંદેશ મળ્યો છે અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરણા મળી રહી છે.
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન યોજાય રહ્યું છે. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધુ મતદારો 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સુરત મનપામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે