
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 28 અને 29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ વારાણસીમાં મહિલા સંમેલનમાં ભાગ લેશે અને આશરે 6,350 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સાથે જ વડાપ્રધાન હરદોઈમાં 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગંગા એક્સપ્રેસ-વેનું પણ ઉદઘાટન કરશે.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે વડાપ્રધાન 28 એપ્રિલના રોજ સાંજે આશરે 5 વાગ્યે વારાણસીમાં મહિલા સંમેલનમાં સામેલ થશે અને જનસભાને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ 1,050 કરોડ રૂપિયાથી વધુની 48 યોજનાઓનું લોકાર્પણ કરશે, જેમાં રસ્તાના પહોળીકરણ, રેલવે ઓવરબ્રિજ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી મુખ્ય યોજનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેઓ અંદાજે 5,300 કરોડ રૂપિયાની 112 થી વધુ યોજનાઓનો શિલાન્યાસ કરશે. જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાની યોજનાઓ, 500 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, પ્રવાસન વિકાસ, ઘાટોનો પુનઃવિકાસ અને વિવિધ વહીવટી માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. તે જ દિવસે વડાપ્રધાન બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો, જેમાં બનારસ-પુણે અને અયોધ્યા-મુંબઈ અમૃત ભારત એક્સપ્રેસ સામેલ છે, તેમને લીલી ઝંડી બતાવશે.
બીજા દિવસે 29 એપ્રિલના રોજ સવારે વડાપ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ હરદોઈ પહોંચીને ગંગા એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કરશે. કુલ 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ-વે મેરઠથી પ્રયાગરાજ વચ્ચેના મુસાફરીના સમયને 10-12 કલાકથી ઘટાડીને અંદાજે 6 કલાક કરી દેશે. આ યોજના 12 જિલ્લાઓને જોડતા રાજ્યમાં ઝડપી કનેક્ટિવિટીનું નવું નેટવર્ક તૈયાર કરશે.
એક્સપ્રેસ-વેની વિશેષતા શાહજહાંપુરમાં 3.5 કિલોમીટર લાંબી ઈમરજન્સી એરસ્ટ્રીપ છે, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આ સાથે જ આ યોજના ઔદ્યોગિક રોકાણ, કૃષિ આવક, લોજિસ્ટિક્સ અને રોજગારને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ