
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશમાં ઊર્જા ક્ષેત્રની બે મોટી સિદ્ધિઓની યાદી આપી હતી. તેમણે તમિલનાડુના કલપક્કમ ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટર દ્વારા હાંસલ કરવામાં આવેલી નિર્ણાયકતા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પવન ઊર્જા ક્ષેત્રમાં 56 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાની દેશની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મન કી બાતના 133મા એપિસોડમાં ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં આ સીમાચિહ્નરૂપ સિદ્ધિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ માર્ચ 2024ની તે ક્ષણને યાદ કરે છે, જ્યારે તેમણે કલપક્કમ ખાતે રિએક્ટરનું કોર લોડિંગ જોયું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સિદ્ધિ ભારતની પરમાણુ ઊર્જાની યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલું છે, જે દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને આત્મનિર્ભરતા દર્શાવે છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ દેશના વિવિધ રાજ્યોમાં પવન ઊર્જા ક્ષમતાના વિસ્તરણ વિશે પણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં દેશે 6 ગીગાવોટ ક્ષમતાનો ઉમેરો કર્યો છે. આનાથી દેશની પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 56 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ