
અમરેલી, 26 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. સહપરિવાર મતદાન કેન્દ્ર પર પહોંચેલા રૂપાલાએ સામાન્ય મતદારો સાથે સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, લોકશાહી મજબૂત બનાવવા માટે મતદાન એક પવિત્ર ફરજ છે અને દરેક નાગરિકે આ ફરજ નિભાવવી જોઈએ. હાલ ઉનાળાનો ધોમધખતો તાપ હોવા છતાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે તેમણે લોકોને અપીલ કરી હતી.
રૂપાલાએ ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોને આગળ આવીને મતદાન કરવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, 100 ટકા મતદાન થવું એ લોકશાહીની સાચી જીત ગણાય છે.
ઇશ્વરીયા ગામે મતદાન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામો જિલ્લામાં રાજકીય દિશા નક્કી કરશે, જેને લઈને તમામ પક્ષો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai