
ભાવનગર, 26 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહ્યું છે. આ લોકશાહી પર્વમાં દરેક વયના મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના તરીકે ભાવનગરની યશવી કિરીટ ભટ્ટીનું નામ સામે આવ્યું છે, જેઓએ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી છે.
યશવી ભટ્ટી માટે આ ક્ષણ ખૂબ જ વિશેષ રહી. તેમણે મતદાન કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજે પ્રથમ વખત મતદાન કરવાનો અવસર મળ્યો છે અને તેનો મને ખુબ આનંદ છે. આ માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની ફરજ પણ છે.” તેમના ચહેરા પરનો ઉત્સાહ સ્પષ્ટપણે દેખાતો હતો, જે અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે.
આજના સમયમાં કેટલાક યુવાનો મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવતા હોય છે, ત્યારે યશવી ભટ્ટી જેવા પ્રથમવાર મતદારો સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે. તેમણે દરેક મતદારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના મતદાન મથક પર જઈને મતદાન જરૂર કરે અને લોકશાહીના આ પર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે.
યશવી ભટ્ટીનો આ પહેલો મત માત્ર વ્યક્તિગત ખુશીની બાબત નથી, પરંતુ તે લોકશાહી પ્રત્યેની તેમની જાગૃતિ અને જવાબદારીનો પરિચય આપે છે. આવા જાગૃત અને ઉત્સાહી યુવાનો દેશના ભવિષ્યને વધુ મજબૂત અને લોકશાહી ને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT