કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણીયાનું મતદાન: લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની અપીલ
ભાવનગર,26 એપ્રિલ (હિ.સ. )સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભાવનગર જિલ્લામાં આજે ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ લોકશાહી પર્વમાં નાગરિકો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
ભાવનગર


ભાવનગર,26 એપ્રિલ (હિ.સ. )સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભાવનગર જિલ્લામાં આજે ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ લોકશાહી પર્વમાં નાગરિકો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણીયા એ પણ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવતાં ભાવનગરના ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક પર જઈ મતદાન કર્યું હતું.

મતદાન કર્યા બાદ નિમુ બાંભણીયાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે, જે લોકશાહી માટે સકારાત્મક સંકેત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મજબૂત લોકશાહી, સશક્ત સમાજ અને વિકાસશીલ રાષ્ટ્ર માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે. મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે.

તેમણે તમામ મતદારોને અપીલ કરી કે તેઓ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મતદાન મથક સુધી પહોંચી પોતાના મતનો ઉપયોગ કરે. હાલ ગરમીનો પ્રકોપ વધુ હોવાને કારણે તેમણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મતદાન કરવા પણ સૂચન કર્યું હતું. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનાર યુવાનોને શુભેચ્છા પાઠવી તેમણે જણાવ્યું કે યુવાનોનો ઉત્સાહ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.

અંતમાં નિમુબેન બાંભણીયાએ પ્રત્યેક મતદારને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande