
જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉમદા વ્યવસ્થાઓને મતદારોએ મુક્ત કંઠે બિરદાવી હતી.
મતદાન પ્રક્રિયાને વધુ સુગમ અને સરળ બનાવવા માટે દરેક મતદાન મથક પર તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી હતી, જેના પરિણામે મતદારો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શક્યા હતા. વહેલી સવારથી જ મથકો પર ઉમટી પડેલા નાગરિકોમાં વહીવટી તંત્રના મેનેજમેન્ટને લઈને ભારે સંતોષની લાગણી જોવા મળી હતી.
ખાસ કરીને કડક સુરક્ષા બંદોબસ્તની સાથે સાથે મતદારો માટે પીવાના પાણીની સુવિધા, શેડની વ્યવસ્થા અને કતારોના યોગ્ય સંચાલન જેવી પાયાની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર તથા રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરાવાતા તેઓએ પણ તંત્રનો આભાર માન્યો હતો.
આ ઉપરાંત, અધિકારીઓના નમ્ર અને માર્ગદર્શક વ્યવહારથી પ્રભાવિત થઈને મતદારોએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની આ વ્યવસ્થાઓને કારણે મતદાનનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો છે. ચૂંટણીલક્ષી આ સચોટ આયોજનને કારણે જ નાગરિકો મતદાન પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈ શક્યા હતા અને સરળતાથી મતદાન કરી શક્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt