

પાટણ, 26 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેનું મતદાન ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું, જેમાં સરેરાશ 59.01 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 170 બેઠક તેમજ નગરપાલિકાના ઉમેદવારોના ભાવિનો ફેંસલો EVM મશીનમાં કેદ થઈ ગયો છે, જેના પરિણામો 28મી એપ્રિલે જાહેર થશે.
મતદાનના દિવસે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 108 વર્ષના વયોવૃદ્ધ દાદાથી લઈને લગ્નવિધિ પહેલાં મતદાન કરવા પહોંચેલા વર-વધૂઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવી હતી.
આ દરમિયાન જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે પોલીસ તંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને છાશ અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જોકે, માયાનગરની 60 વર્ષીય કામુબેન અનિલભાઈને મતદાન બાદ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ