




પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.)ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–2026 અંતર્ગત આજે પોરબંદર જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ અને ભારે ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નબર-6 ની પેટાચૂંટણીઓ માટે મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચી ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને અધિક કલેક્ટર ના સંકલનમાં સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. મતદાન મથકો પર યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ નાગરિકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya