
જુનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાનનો શાંતિપૂર્ણ અને ઉત્સાહ પૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા માટે વયસ્કથી લઈ યુવા મતદારો મતદાન મથક ઉપર વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુદ્રઢ વ્યવસ્થા ના કારણે જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા કાજલ ગજેરા અને તેમના પતિ વિજય ગજેરા એ તેમનો કીમતી મત આપી મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી.
સાથે જ તેમણે નાગરિકોને પણ મતદાન અચૂક કરવા અપીલ કરી હતી.
આ ઉપરાંત દિવ્યાંગ મતદાર સાગર બારૈયા એ પણ મતદાન માટે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.
અન્ય એક દંપતી કમલેશ ગજેરા અને હેતલ ગજેરા એ પણ જણાવ્યું હતું કે,આજે અમે પરિવાર સાથે લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા મતદાન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ