
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં અલ્કાપુરી બ્રિજ નીચે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો, જેમાં બેફામ ઝડપે આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે બાઈકને ટક્કર મારી. આ દુર્ઘટનામાં 54 વર્ષીય કાંતિભાઈ ગેવરીયાનું મોત થયું, જ્યારે તેમના નાના ભાઈ વજુભાઈને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ, બંને ભાઈઓ મોટરસાયકલ પર કામસર બહાર નીકળ્યા હતા. બ્રિજ નજીકના વળાંક પર પાછળથી આવેલા ટ્રકે જોરદાર અથડામણ કરી, જેના કારણે બંને રસ્તા પર પટકાયા અને થોડી દૂર સુધી ઘસડાયા. ઘટના ખૂબ જ ભયાનક હોવાનું જણાવાય છે.
સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં કાંતિભાઈને તબીબોએ મૃત જાહેર કર્યા, જ્યારે વજુભાઈ હાલ સારવાર હેઠળ છે. પરિવારજનોમાં આ ઘટનાને કારણે ભારે શોકનો માહોલ છવાયો છે.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલક, જેની ઉંમર 18 વર્ષ છે, તેના વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે