
સાણંદ/અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સાણંદ તાલુકાના બકરાણા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અંગત જીવનના સૌથી મહત્વના એવા લગ્ન પ્રસંગના દિવસે પણ એક યુવાને પોતાની નાગરિક ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને સમાજને જાગૃતતાનો સુંદર સંદેશ આપ્યો છે.
બકરાણાના નિવાસી ગૌતમ પટેલના સુપુત્ર વૈભવના આજે શુભ લગ્ન હતા. લગ્ન માટે જાન પ્રસ્થાનનું મુહૂર્ત સવારે 7:31 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે લગ્નની ધમાલ અને તૈયારીઓ વચ્ચે લોકો અન્ય કામો વિસરી જતા હોય છે, પરંતુ વૈભવે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તેમણે પોતાના લગ્નના વેશમાં સજ્જ થઈ, જાન લઈને નીકળતા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. 'પહેલા મતદાન, પછી લગ્ન ના સૂત્રને સાર્થક કરતા વૈભવે પોતાનો અમૂલ્ય મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
મતદાન કર્યા બાદ જ તેમણે નિર્ધારિત મુહૂર્તે લગ્ન માટે પ્રસ્થાન કર્યું હતું.
વૈભવના આ જાગૃત અભિગમ વિશે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે:આ પ્રસંગ દર્શાવે છે કે, વ્યક્તિગત ખુશીઓ જેટલી જ દેશ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ મહત્વની છે. યુવા પેઢીનો આવો ઉત્સાહ અન્ય મતદારો માટે પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.
બકરાણાના આ નવયુવાને લગ્નના પવિત્ર દિવસે મતદાન કરી ન માત્ર પોતાની ફરજ નિભાવી, પરંતુ સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ