
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આજે મતગણતરીના 24 કલાક પહેલાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગાંધીવાદી ચુનીભાઈ વૈધના સાથીદાર એવા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવતા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ફેસબુક મારફતે પોતાનું રાજીનામું જાહેર કર્યું છે.
સાગર રબારી ખેડૂતો, કૃષિ અને જમીનસંપાદન સંલગ્ન સમસ્યાઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જે પૈકી કેટલાક આંદોલનોમાં સરકાર સામે જીત પણ થઈ હતી. રબારી રાજકીય પક્ષ સાથે જોડાયા પણ આંદોલનની રાજનીતિથી તેમની કારકિર્દી શરૂ થઈ હતી. 1984માં સાગર રબારી ગુજરાતના જાણીતા કર્મશીલ ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલા રહ્યા
જોકે થોડાક જ દિવસો પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટી પર કડક પ્રહારો કર્યા હતાં.
સાગર રબારીએ થોડાક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રજાને દબાવવાની અને ડરાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ તેના વિપરીત, લોકો હવે આમ આદમી પાર્ટી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઈન્સ્ટાગ્રામ આઇડી અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જતા તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપ, આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ