
ભાવનગર 27 એપ્રિલ (હિ.સ.) ટ્રેન નં. 59272 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જરથી મુસાફરી કરતા મુસાફર ગોવિદા સઠિયાનું લેપટોપ ધરાવતું બેગ પ્લેટફોર્મ નં. 1 પર રહી ગયું હતું.
આ બાબતે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે યાત્રી ઉતાવળમાં ટ્રેનમાં ચડી ગયા હતા અને પોતાનું બેગ સ્ટેશન પર જ ભૂલી ગયા હતા. થોડા સમય બાદ બેગ અંગે યાદ આવતા તેમણે રેલવે કર્મચારીઓનો સંપર્ક કરી સ્ટેશન કચેરીમાં માહિતી આપી.
માહિતી મળતાની સાથે જ સ્ટેશન અધિક્ષક જે.પી. ચૌહાણે તાત્કાલિક પગલાં લેતાં પોઇન્ટ્સમેન મેહુલભાઈને સ્થળ પર મોકલ્યા. પોઇન્ટ્સમેન દ્વારા તરત કાર્યવાહી કરીને બેગને સુરક્ષિત રીતે મેળવવામાં આવ્યો અને યોગ્ય ચકાસણી બાદ મુસાફરને તેમનો લેપટોપ બેગ સલામત પરત આપવામાં આવ્યો.
આ પ્રશંસનીય કાર્ય માટે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સ્ટેશન અધિક્ષક અને પોઇન્ટ્સમેનની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા.
ભાવનગર મંડળ મુસાફરોની સુવિધા અને સુરક્ષા પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છે અને આવી ઘટનાઓ રેલવે કર્મચારીઓની સતર્કતા અને સેવાભાવને દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ