
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તાકાત વધુ વધી છે. આમ આદમી પાર્ટી (આઆપા) છોડીને ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 106 થી વધીને 113 થઈ ગઈ છે.
સોમવારે રાજ્યસભા સચિવાલય દ્વારા ગૃહમાં તમામ પક્ષોના સાંસદોની અદ્યતન યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં આ સાતેય નેતાઓના નામ ભાજપના સાંસદોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેનાથી ભાજપને ઉચ્ચ ગૃહમાં વધુ રાજકીય મજબૂતી મળી છે.
ઉલ્લેખનીય છે કે, 24 એપ્રિલે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાનાર સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, ડૉ. વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજીન્દર ગુપ્તા સામેલ છે. આ તમામ હવે સત્તાવાર રીતે ભાજપ સંસદીય દળનો ભાગ બની ગયા છે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા કહ્યું, રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટીના સાત સાંસદોના ભાજપમાં વિલયને સ્વીકારી લીધો છે. હવે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજીન્દર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહની ભાજપ સંસદીય દળના સભ્યો છે.
રિજિજુએ આ સાંસદોની કાર્યશૈલીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, લાંબા સમયથી તેમણે જોયું છે કે, આ સાત સાંસદોએ ક્યારેય અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો નથી કે કોઈ શિસ્તહીન અથવા ગેર-સંસદીય આચરણ કર્યું નથી. તેમણે આને સકારાત્મક રાજનીતિનું ઉદાહરણ ગણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (રાજગ) માં સૌનું સ્વાગત છે. આ સાથે તેમણે વિરોધ પક્ષોના ગઠબંધન પર નિશાન સાધતા 'ટુકડે-ટુકડે' ગઠબંધનને અલવિદા કહેવાની વાત પણ કરી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે, આ ઘટનાક્રમથી રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થશે અને આગામી વિધાયી કાર્યોમાં પક્ષને વ્યૂહાત્મક લાભ મળી શકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સંસદના ઉચ્ચ ગૃહમાં સંખ્યાબળ અનેક મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, ત્યારે આ ફેરફાર ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ